જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આર.આર. સ્વાઈએ મંગળવારે જણાવ્યું હતું કે, આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં ફરજ દરમિયાન લગભગ 6,000 જેટલાં સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે, જેમાંથી 1,600 થી વધુ જમ્મુ- કાશ્મીર પોલીસના છે. સ્વાઈએ વધુમાં કહ્યું, જવાનોના પ્રાણનું બલિદાન એ દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાની સુરક્ષા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
JK security personnel killed: જમ્મુ-કશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 6 હજાર સુરક્ષાજવાનોનો જીવ ગયો: ડીજીપી - જમ્મુ કશ્મીર
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આર.આર. સ્વાઈએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.
Published : Jan 17, 2024, 7:50 AM IST
6 હજાર બહાદુરોનું બલિદાન:કઠુઆમાં 12મી શહીદ સ્મારક ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં સ્વાઈએ કહ્યું કે, "દેશના વિવિધ દળોના લગભગ 6,000 બહાદુરોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, અને તેમાંથી 1,600થી વધુ જવાનો એકમાત્ર જમ્મુ-કાશ્મીર પોલીસના છે." ટુર્નામેન્ટના સમાપન સમારોહ માટે આયોજન સ્થળ પર ઉપસ્થિત રહેલા ડીજીપીએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડીજીપીએ શહીદ સ્મારક ક્રિકેટ ટૂર્નામેન્ટના સફળ આયોજન બદલ મેનેજમેન્ટ કમિટી અને પ્રાયોજકોની પ્રશંસા પણ કરી હતી, અને શહીદોના સન્માનમાં સક્રિય ભાગ લેવા બદલ કઠુઆના લોકોનો પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.
આ સમારોહ બાદ મીડિયા સાથે વાત કરતા, ડીજીપીએ જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદોના પરિવારો માટે કલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસને કોન્ટ્રિબ્યુટરી ફંડ હેઠળ ફંડ આપવામાં આવે છે. આ પ્રસંગે એડીજીપી આનંદ જૈને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસ શહીદોના પરિવારજનોને મળી રહી છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરી રહી છે અને સેવરા યોજના હેઠળ તેમને સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.