- જીત વિકાસ અને સુશાસનની રાજનીતિમાં લોકોનો અતૂટ વિશ્વાસઃ વડાપ્રધાન
- બે દાયકાથી વધુ લોકોની સેવા કરતી પાર્ટી માટે આવી જીત મહત્ત્વનીઃ વડાપ્રધાન
- ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપે 85 ટકા બેઠક પર કબજો જમાવ્યો
નવી દિલ્હીઃ ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપને 85 ટકા બેઠકો આપવા બદલ વડાપ્રધાને ગુજરાતનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું હતું અને મંગળવારે તેનું પરિણામ આવ્યું હતું. પરિણામ આવતા જ ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. વડાપ્રધા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આભાર ગુજરાત!
ગુજરાત સરકારની લોકો માટેની નીતિઓએ સંપૂર્ણ રાજ્યમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો
વડાપ્રધાને કહ્યું હતું કે, ભાજપ પ્રતિ ફરી એક વાર વિશ્વાસ દર્શાવવા બદલ રાજ્યના લોકોનો હું આભારી છું. ગુજરાતની સેવા કરવી હંમેશા સન્માનની વાત છે. આ સાથે જ વડાપ્રધાને ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓની મહેનતના વખાણ કર્યા હતા. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારની લોકો માટેની નીતિઓએ સંપૂર્ણ રાજ્યમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. ગુજરાતની આજની જીત વિશેષ છે.
ખેડૂતથી લઈ મહિલાઓએ મોદી સરકારની નીતિઓને સમર્થન આપ્યુંઃ જે. પી. નડ્ડા
ગુજરાતમાં ભાજપની જીત બદલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બિહાર વિધાનસભા ચૂંટણી હોય કે પછી 11 રાજ્યોમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણી હોય કે પછી આસામ, અરૂણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગોવા જેવા રાજ્યો હોય. આ તમામમાં ખેડૂત, મજૂર, વેપારી, યુવા અને મહિલાઓએ મોદી સરકારની નીતિઓને પોતાનું સમર્થન આપ્યું છે.