ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં એક કિન્નરની હત્યા માટે અપાયો હતો 55 લાખનો કોન્ટ્રાક્ટ, વાંચો કેમ? - પૂર્વ દિલ્હી જીટીબી એન્કલેવ

દિલ્હીના જીટીબી એન્ક્લેવમાં સ્કૂટીમાં સવાર બે શખ્સોએ કિન્નર એકતા જોશીની 3થી 4 ગોળીઓ મારીને હત્યા કરી હતી. જેનો વીડિયો નજીકમાં જ લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. પોલીસે હત્યાના આ બનાવ સાથે સંકળાયેલા એક હુમલાખોરની ધરપકડ કરી છે. જેણે પોલીસ સમક્ષ હત્યા કરવા માટે તેમને 55 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાની કેફિયત રજૂ કરી હતી.

દિલ્હીમાં એક કિન્નરની હત્યા માટે અપાયો હતો 55 લાખનો કોન્ટ્રાક્ટ, વાંચો કેમ?
દિલ્હીમાં એક કિન્નરની હત્યા માટે અપાયો હતો 55 લાખનો કોન્ટ્રાક્ટ, વાંચો કેમ?

By

Published : Apr 12, 2021, 4:44 PM IST

  • દિલ્હીના જીટીબી એન્ક્લેવમાં બની હતી હત્યાની ઘટના
  • કિન્નરોમાં વર્ચસ્વ જમાવવા માટે કરાવવામાં આવી હતી હત્યા
  • અન્ય જૂથ દ્વારા એકતા જોશીની હત્યા માટે અપાયો હતો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના જીટીબી એન્ક્લેવમાં ડીડીએના જનતા ફ્લેટ્સનું એ કમ્પાઉન્ડ સૌથી વધુ વૈભવી માનવામાં આવતું હતું. 6 ફ્લેટ ધરાવતા આ કમ્પાઉન્ડને 3 કિન્નરોએ ખરીદ્યો હતો અને વૈભવી બંગલામાં તબદીલ કરી દીધો હતો. આ બંગલામાં 3 કિન્નરોના પરિવાર રહે છે. કિન્નરોના આ પરિવાર થોડા વર્ષો પહેલા જ આ કમ્પાઉન્ડમાં રહેવા આવ્યા હતા. કિન્નરોના 3 પરિવારમાંનો એક પરિવાર છે, એકતા જોશીનો..

પોતાના ભાઈના બાળકોને સાથે રાખીને ભણાવતી હતી

40 વર્ષીય એકતા મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલની વતની હતી. એકતાના પિતા દિલ્હીની પૂસા ઈન્સ્ટિટ્યૂટમાં નોકરી કરે છે, જ્યારે માતા અને ભાઈ ગામમાં રહે છે. એકતાએ પોતાના ભાઈના 4 બાળકોને પોતાની પાસે રાખ્યા હતા. જેમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. જ્યારે ભાભી અને માતા ગામમાં રહેતા હતા. એકતા ઇચ્છતી હતી કે, તેના ભાઈના બાળકો સારી શાળાઓમાં ભણે અને લાયક બને. એકતાએ ચાર બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો.

એકમાત્ર સ્વપ્ન, ઘરમાં બધા જ ભણે અને તમામ ખુશીઓ મેળવે

એકતા નાનપણથી જ કિન્નર હતી. યુવાવસ્થામાં તે પહેલા ઉત્તરાખંડમાં જ રહેતી હતી. જ્યારબાદ તે દિલ્હી આવીને કિન્નર સમાજ સાથે રહેવા લાગી હતી. કિન્નરોના ગુરૂ અનિતા જોશીને એકતા માટે વિશેષ પ્રેમ હતો. તેથી જે કમ્પાઉન્ડમાં એકતા રહેતી હતી, અનિતાએ પણ તે જ કમ્પાઉન્ડમાં પોતાનું ઘર બનાવ્યું હતું. માયાળુ સ્વભાવ અને ફરવાની શોખીન એકતાની સુંદરતાને કારણે લોકોનેખબર પણ પડતી ન હતી કે, તે એક કિન્નર છે. એકતાનું એક માત્ર સ્વપ્ન હતું કે, તેના સંબંધીઓ શિક્ષિત થાય અને તેમને જીવનમાં બધી જ ખુશીઓ મળે. એકતાને પોતાના પરિવાર પ્રત્યે પણ ખૂબ લાગણી હતી. તે હંમેશા પરિવાર સાથે સંપર્કમાં રહેતી હતી. ક્યારેક તે બાળકો સાથે ગામડે પણ જતી હતી.

શું હતો સમગ્ર મામલો?

5 સપ્ટેમ્બર 2020ના રોજ અનિતા જોશીનો દત્તક પુત્ર આશિષે નવા કપડાં ખરીદવાની માગ કરતા આશિષ, અનિતા અને એકતા લક્ષ્મી નગરમાં ખરીદી કરવા ગયા હતા. એકતાએ પોતાના અને બધા બાળકો માટે ઘણી બધી ખરીદી કરી હતી. ખરીદી કર્યા બાદ તેઓ રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. કમ્પાઉન્ડના ગેટ પાસે કાર રોકાયા બાદ પાછળની સીટ પર બેસેલી એકતા જોશી તેની શોપિંગ બેગ લઈને નીચે ઉતરી હતી. ત્યારે અચાનક પાછળથી આવેલી એક સફેદ રંગની સ્કૂટી પર પાછળ બેસેલા શખ્સે એકતા જોશી પર બંદૂક તાકીને 3થી 4 ગોળીઓ ધરબી દીધી હતી. એક તરફ ગોળીઓના અવાજથી અને ગોળીઓ વાગ્યા બાદ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલી એકતા જોશીને જોઈને આશિષ અને અનિતા હેબતાઈ ગયા હતા. પોતાની ઓળખ છૂપાવવા માટે હુમલાખોરોએ હેલમેટ પહેરી રાખ્યા હતા.

CCTVમાં કેદ થયા ભયાનક દ્રશ્યો

ગોળીબારનો અવાજ સાંભળીને કમ્પાઉન્ડમાં રહેતા કિન્નરોના પરિવાર અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. આ બધું એટલી ઝડપથી બન્યું કે કોઈ કશું સમજી શક્યું નહીં. ગોળીબારનો અવાજ સાંભળીને એકતાના ભાઈના ચારેય બાળકો પણ દોડી આવ્યા હતા. એકતા જોશીને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પહોંચતાં જ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. હત્યાની સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેણે બાદમાં પોલીસને ઘણી મદદ કરી હતી.

વર્ચસ્વ જમાવવા માટે કરાઈ હતી હત્યા

જીટીબી પોલીસે હત્યાના આ બનાવની તપાસ દરમિયાન આમિર ગાઝી નામના એક આરોપીની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તેણે પશ્ચિમ વિહારના ડીડીએ ફ્લેટમાં રહેતા ગગન પંડિતના કહેવા પર એકતા જોશીની હત્યામાં શામેલ થયો હતો. જેના માટે 55 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, ગગન આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર છે અને કિન્નરોના અન્ય એક ગૃપ દ્વારા ગુરૂની ગાદીના વિવાદમાં એકતા જોશીની હત્યા કરાવી હતી. આમિરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દિલ્હીના યમુના પારમાં કિન્નરોના ઘણા જૂથો છે. જેમાં એકતા જોશી અને અનિતા જોશીનું જૂથ સૌથી શક્તિશાળી છે. જ્યારે ફરીદાબાદની સોનમ અને વર્ષા સિવાય જીટીબી એન્ક્લેવમાં કમલ અને મંઝૂર ઇલાહી સાથે એકતા અને અનિતા જોશીના બોલવાના પણ સંબંધો ન હતા. એકતા જોશીના જૂથ સાથે સામાજિક પ્રસંગોએ શુભેચ્છાઓ માંગવા માટે આ બન્ને જૂથો વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઈ હતી. ત્યારથી ચર્ચા થઈ રહી છે કે, અનિતા જોશીએ એકતાને તેમની અનુગામી બનાવી છે અને તે કિન્નરોના આગામી ગુરુ બનશે. ત્યારથી મંઝૂર ઇલાહી અને સોનમના જૂથને લાગ્યું કે, જો એકતાને જલદી જ ઠેકાણે નહી પાડવામાં આવે તો તેમનો ધંધો બગડશે. આમ વિચારવા પાછળનું અન્ય એક કારણ એ પણ છે કે, એકતા એ અનિતા જોશી કરતા વધુ શિક્ષિત અને પ્રભાવશાળી પણ હતી.

ABOUT THE AUTHOR

...view details