- ફરી શરૂ થઈ ચારધામ યાત્રા, 350 યાત્રીઓ પહોંચ્યા
- યાત્રા ફરી શરૂ થવાથી દુકાનદારો અને સ્થાનિકોમાં ખુશી
- કોરોનાના કારણે 2 વર્ષ ચારધામ યાત્રા પર અસર થઈ
- કેદારધામના 80 ટકા લોકોની રોજી-રોટી ચારધામ યાત્રા પર જ નિર્ભર
રુદ્રપ્રયાગ: નૈનીતાલ હાઈકોર્ટના ચૂકાદા બાદ આજથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કેદારનાથ ધામમાં પહેલા જ દિવસે બપોરે 1 વાગ્યા સુધી 350 તીર્થયાત્રીઓ ધામ પહોંચી ગયા છે. યાત્રા ખૂલ્યા બાદ કેદારઘાટીના લોકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા સ્થળોએ તીર્થ યાત્રીઓ આવવાથી વેરાન પડેલા બજારોમાં રોનક પાછી આવી છે. યાત્રા શરૂ થવાથી ઘોડા-ખચ્ચર, મજૂર, વાહન ચાલકો, ઢાબા, હોટલ, લોજ, વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
કોરોનાના કારણે અહીં લોકોની આજીવિકા પર અસર થઈ હતી
આજે આ ચારધામોમાં યાત્રા શરૂ થઈ ગઈ છે. હવે દેશના અલગ-અલગ ખૂણેથી શ્રદ્ધાળુ ધામોમાં આવીને પુણ્ય મેળવી શકે છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં અગરિયારમાં જ્યોર્તિલિંગ તરીકે જાણીતું કેદારનાથ ધામ, બીજું કેદાર મદમહેશ્વર તેમજ ત્રીજુ કેદાર ભગવાન તુંગનાથનું મંદિર છે, જ્યાં ગ્રીષ્મ ઋતુમાં યાત્રા દરમિયાન ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ 2 વર્ષથી કોરોના મહામારીના કારણે યાત્રા પર ઘણી જ અસર પડી હતી. આવામાં કેદારઘાટી, તુંગનાથ તેમજ મદમહેશ્વર ઘાટીના લોકોની આજીવિકા પર ખરાબ અસર જોવા મળી છે.
સાડા ચાર મહિના બાદ ચારધામ યાત્રા ફરી શરૂ
ગત વર્ષે પણ કોરોના મહામારીના કારણે યાત્રાને 3 મહિના બાદ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ શ્રદ્ધાળુઓને ધામ આવવાની પરવાનગી મળી હતી. એ દરમિયાન ઓછી સંખ્યામાં યાત્રીઓના આવવાથી લોકોની રોજગારી સારી રીતે ચાલી શકી નહોતી. તેમને આશા હતી કે વર્ષ 2021ની યાત્રામાં તેમને સુખદ અનુભવ થશે, પરંતુ આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે યાત્રાને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. આ કારણે લોકોનો રોજગાર ઠપ્પ પડી ગયો. હવે કોરોના કેસ ઓછા થવાના કારણે ચારધામ યાત્રા ખોલવાની માંગ કરવામાં આવી. સાડા ચાર મહિના બાદ ચારધામ યાત્રા શરૂ થઈ છે. આવામાં યાત્રા પડાવો પર ધંધો કરીને પોતાની રોજી-રોટી કમાઈ રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
કેદારધામ યાત્રા અને પ્રવાસી પર નિર્ભર છે અહીંના લોકોની આવક
કેદારઘાટીના 80 ટકા લોકોની રોજી-રોટી ચારધામ યાત્રા પર જ નિર્ભર છે. 6 મહિના યાત્રામાં કામ કર્યા બાદ અહીંના લોકો આખા વર્ષની કમાણી કરી લે છે. યાત્રા ખૂલવાથી વાહનચાલક, ઘોડા-ખચ્ચર, ઢાબા, હોટલ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તેમને આશા છે કે દોઢ મહિનાની યાત્રાથી તેમને સારો રોજગાર મળશે અને તેઓ પોતાના પરિવારનું ગુજરાન કરી શકશે. કેદારનાથના તીર્થ પુરોહિત અંકુર શુક્લાએ કહ્યું કે, વહીવટીતંત્રએ ધામ આવનારા તીર્થયાત્રીઓ માટે સારી સુવિધાઓ આપવી જોઇએ. તીર્થયાત્રી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે. સાથે જ કોવિડ નિયમોનું પણ પાલન કરે.