- બીડ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી
- 22 લોકોના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જવાનો મામલો સામે આવ્યો
- જિલ્લા વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સના અભાવનું કારણ દર્શાવ્યું
મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કોરોનાથી જીવ ગુમાવનારા 22 લોકોના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સનો અભાવ પણ એક કારણ હોવાનું જણાવ્યું છે. રવિવારે રાત્રે આ બનાવ બન્યો હતો, જ્યારે બીડની અંબાજોગાઇ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી મેડિકલ કોલેજના સ્મશાનમાં રાખવામાં આવેલા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો.
બે એમ્બ્યુલન્સમાં કોવિડ- 19ના દર્દીઓ લાવવામાં તથા લઈ જવામાં આવી રહ્યા છે : ડૉ. શિવાજી શુક્રે
મેડિકલ કોલેજના ડીન ડૉ. શિવાજી શુક્રેએ આજે મંગળવારે જણાવ્યું હતું કે, "હોસ્પિટલ વહીવટીતંત્ર પાસે પૂરતી એમ્બ્યુલન્સ નથી, જેના કારણે આ બન્યું છે." વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગયા વર્ષે કોવિડ- 19ના પહેલા તબક્કામાં તેમની પાસે પાંચ એમ્બ્યુલન્સ હતી. તેમાંથી ત્રણને પાછળથી પરત લાવવામાં આવી હતી અને હવે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સમાં કોવિડ- 19ના દર્દીઓ લાવવામાં તથા લઈ જવામાં આવી રહ્યા છે.
વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા 17 માર્ચે અધિકારીએ જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો
અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીકવાર મૃતકોના સંબંધીઓને શોધવામાં સમય લાગે છે. કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી લોખંડી સાવરગાંવના કોવિડ- 19 કેન્દ્રથી મૃતદેહને પણ અમારી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, તેમણે વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા 17 માર્ચે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, "અવ્યવસ્થાથી બચવા માટે અમે અંબાજોગાઇ મ્યુનિસિપલ કાઉન્સિલને પત્ર લખીને સવારે 8થી 10 વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવાની અને હોસ્પિટલના વૉર્ડમાંથી જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન મોકલવાની માગ કરી હતી."
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ કોરોનાને હરાવ્યા પછી જીતી 5 કરોડની લોટરી