ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિધાનસભા 2021 ચૂંટણીઓ: આસામમાં ફરી વાર ભગવો લહેરાયો - Asom Jatiya Parishad

કોંગ્રેસ અને ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) વચ્ચે ગઠબંધન થયું, તેમ છતાં આસામમાં શાસક ભાજપ બીજી વાર સત્તામાં આવી શક્યો છે. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર આસામમાં ફરી રચાશે.

Assam sees a second saffron surge
Assam sees a second saffron surge

By

Published : May 3, 2021, 5:26 PM IST

ન્યૂઝ ડેસ્ક : આસામની 126 બેઠકોમાંથી ભાજપને 60 અને સાથી પક્ષોને 15 સાથે કુલ 75 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 29 અને તેની આગેવાની હેઠળના મોરચાને 50 બેઠકો મળી છે. આ વખતે ભાજપ સાથે જોડાણ કરનારી બોડોલેન્ડ વિસ્તારની નવી પાર્ટી યુનાઇટેડ પિપલ્સ પાર્ટી લિબરલને 6 બેઠકો મળી ગઈ, જ્યારે બોડોલેન્ડ પિપલ્સ ફ્રન્ટની બેઠકો ઘટી અને ચાર જ મળી. તેના કારણે કોંગ્રેસના મોરચાની ગણતરીઓ વિખાઈ ગઈ હતી.

સૌથી વધુ આશ્ચર્યજનક પરિણામ આવ્યું જેલમાં રહેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈનું, જેઓ સિબસાગર બેઠક પરથી જીતી ગયા. તેમને એક પણ સભા કરીને પ્રચાર કરવા મળ્યો નહોતો, છતાં જીતી ગયા. ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ)ના ભૂતપૂર્વ નેતા લુરિનજ્યોતિ ગોગોઈ નહારટીકા અને દુલિયાજન બે જગ્યાએથી લડ્યા પણ ક્યાંયથી જીત્યા નહીં. તેમની સામે ભાજપના ઉમેદવારો જીત્યા. નરેન્દ્ર મોદીએ પોતે સિબસાગર વિસ્તારમાં જંગી સભા કરીને પ્રચાર કર્યો, છતાં અખિલ ગોગોઈ જીતી ગયા. ભાજપના ઉમેદવાર સુરભી રાજકોનવારી હારી ગયા.

અખિલ ગોગોઈ નવા રચાયેલા પક્ષ રાયજોર દલની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જ્યારે લુરિનજ્યોતિ પણ ચૂંટણી પહેલાં જ રચાયેલા નવા પક્ષ આસોમ જાતિય પરિષદમાંથી ચૂંટણી લડી હતી. જોકે આ બંને નવા પક્ષો વધુ કોઈ મોટી સંખ્યામાં બેઠકો જીતી શક્યા નહીં.

ભાજપે વિકાસના મુદ્દે ચૂંટણી લડી હતી અને છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામગીરીનો પ્રચાર કર્યો હતો. તેની સામે કોંગ્રેસની આગેવાની હેઠળના મોરચાએ તથા બે નવા રાજકીય પક્ષોએ સીએએ વિરુદ્ધ જાહેલા રોષનો ફાયદો લેવાની નિષ્ફળ કોશિશ કરી. AIUDF સાથે જોડાણ કરીને કોંગ્રેસની ગણતરી મુસ્લિમના મતો વહેંચાઇ જતા અટકાવવાની હતી, પરંતુ તેનો પણ ફાયદો થયો નથી.

જોકે ભાજપની સરકાર સામે આસામમાં આક્ષેપો થતા રહ્યા છે અને સીએએના મુદ્દે 2019થી આંદોલનો થતા રહ્યા છે, પરંતુ ભાજપને એવો પ્રચાર કરવામાં સફળતા મળી કે 'આસામમાં સીએએ લાગુ પડે તેના કરતાં વધારે મોટું જોખમ બદરુદ્દીન અજમલ'. કોંગ્રેસ સત્તામાં આવશે તો અજમલ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેવો પ્રચાર ચલાવાયો હતો.

આ સિવાય સામાજિક કલ્યાણ માટેના કાર્યક્રમો દ્વારા મોટી લહાણી થતી રહી તેનો ફાયદો પણ ભાજપને થયો હોવાનું લાગે છે. હાયર સેકન્ડરીમાં પ્રથમ વર્ગ લઈ આવે તે કન્યાઓને ટુ-વ્હીલર અને દર મહિને 830 રૂપિયાની સીધી સહાય કુટુંબોને અપાતી હતી. લગભગ 22 લાખ ફેમિલીને સીધી રોકડ સહાય અપાઈ તેનો લાભ થયો હશે.

મહિલાઓને લઘુ ધિરાણ મળે તેના પરનું વ્યાજ માફ કરી દેવાની યોજનાનો લાભ પણ ભાજપને મળ્યો હોવાનું માનવામાં આવે છે. મહિલા મતદારોનું ઊંચું મતદાન પણ ફાયદો કરાવી ગયો. ભાજપની સરકારે ડિસેમ્બર, 2020માં આસામ માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (રેગ્યુલેશન ઑફ મની લેન્ડિંગ) બીલ પાસ કર્યું હતું. રાજ્યમાં માઇક્રોફાઇનાન્સ કંપનીઓનો રાફડો ફાટ્યો હતો તેનું નિયંત્રણ કરવા માટે આ કાયદો લવાયો હતો. આ વ્યાજખોર કંપનીઓના કારણે આસામની હજારો મહિલાઓ પર દેવું થઈ ગયું હતું. એવું મનાય છે કે 1200 કરોડ રૂપિયા જેટલું દેવું મહિલાઓ પર થઈ ગયું હતું.

"આ વખતે મતદારોમાં સ્પષ્ટ ધ્રુવીકરણ થયું હતું. 65 ટકા અને 35 ટકા એવી રીતે મતો વહેંચાઈ ગયા. લોકકલ્યાણની યોજનાઓની ઘણી મોટી અસર થઈ. શાસક પક્ષે લોકોને સીધા લાભ આપવાની યોજનાઓ ચલાવી તેના કારણે મતદારોએ મોટા પાયે તેને સમર્થન આપ્યું," એમ આસામના સિનિયર પત્રકાર અને તંત્રી પ્રશાંતા રાજગુરુ કહે છે.

"સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બીલના મુદ્દે ભારત સામે વિરોધ હતો. તે જ રીતે આસામ કરારની કલમ 6નો અમલ ના થયો તેનો અસંતોષ ફણ હતો. પરંતુ તેની કોઈ અસર મતદારો પર થઈ નથી. જુદી જુદી કલ્યાણ યોજનાઓને કારણે ભાજપ 2016માં મળ્યા હતા તેટલા મતોની ટકાવારી જાળવી શક્યો છે," એમ રાજકીય વિશ્લેષક અને કટારલેખક બ્રજેન ડેકા જણાવે છે.

ABOUT THE AUTHOR

...view details