કંદહારમાં મસ્જિદની નજીક બ્લાસ્ટ, 16 લોકોના મોત
હુમલામાં 40થી વધારે લોકો થયા ઘાયલ
ભીડભાડવાળી જગ્યાઓએ અફઘાનિસ્તાનમાં વધ્યા હુમલા
કાબુલ: અફઘાનિસ્તાનમાં એક મસ્જિદની પાસે બ્લાસ્ટ (Bomb Blast In Afghanistan) થયો હોવાના સમાચાર છે. 3 ઑક્ટોબર પછી આજે થયેલા બ્લાસ્ટને લઇને ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટ સતત ભીડવાળી જગ્યાઓએ થઈ રહ્યા છે. ગત બ્લાસ્ટની માફક આ વખતે પણ મસ્જિદની પાસે બ્લાસ્ટ (Blast Near Mosque) થયો છે. ટોલો ન્યુઝ પ્રમાણે ઘટનામાં 16 લોકો માર્યા ગયા છે, જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થયા છે.
વિસ્ફોટની પાછળ કોનો હાથ એ સ્પષ્ટ નથી થઈ શક્યું
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું કે, કંદહાર પ્રાંતની એક મસ્જિદને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે. અઠવાડિયા પહેલા અફઘાનિસ્તાનના ઉત્તરમાં આ જ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. તેમણે આ ઘટના વિશે વધુ માહિતી આપી નથી અને કહ્યું છે કે તપાસ ચાલી રહી છે. અત્યારે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, વિસ્ફોટની પાછળ કોનો હાથ છે. જુમ્માની બપોરના થનારી નમાઝમાં મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.
40થી વધારે લોકો ઘાયલ થયા
તો ટોલો ન્યુઝ પ્રમાણે, જણાવવામાં આવ્યું છે કે કંદહાર શહેરના પહેલા સુરક્ષા જિલ્લાની આસપાસ એક મસ્જિદના પ્રવેશદ્વારની પાસે વિસ્ફોટ થયો છે. સૂત્રો પ્રમાણે આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે. ટોલો ન્યુઝે કહ્યું છે કે, એક સુત્રએ જણાવ્યું છે કે લગભગ અડધા કલાક પહેલા કંદહારના પહેલા જિલ્લામાં એક મસ્જિદને ઉડાવી દેવામાં આવી. ઘટનામાં 16 લોકો માર્યા ગયા, જ્યારે 40થી વધારે ઘાયલ થયા છે.
એક પછી એક થયા 3 બૉમ્બ બ્લાસ્ટ
ઘટનાસ્થળ પર હાજર એક પ્રત્યક્ષદર્સીએ જણાવ્યું કે, કંદહારમાં ઇમામ બરગાહ મસ્જિદમાં એક પછી એક સતત 3 વિસ્ફોટ થયા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત ત્રણ ઑક્ટોબરના પણ મસ્જિદની પાસે બ્લાસ્ટ થયો હતો. આમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 12થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ કાબુલની ઈદગાહ મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
તાલિબાનના કબજા બાદ ISએ હુમલા વધાર્યા
આ પહેલા અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાના નીકળતા પહેલા ઑગષ્ટના અંતિમ અઠવાડિયામાં પણ કાબુલમાં બ્લાસ્ટ થયો હતો. આમાં 100થી વધારે લોકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઑગષ્ટના મધ્યમાં તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવનારા હુમલાઓમાં વધારો થયો છે. આમાં બંને કટ્ટરવાદી જૂથોની વચ્ચે સંઘર્ષ વધવાની સંભાવના વધી ગઈ છે. ઇસ્લામિક સ્ટેટ પૂર્વ પ્રાંત નંગરહારમાં દબદબો રાખે છે અને તાલિબાનને દુશ્મન માને છે. તેણે તેની વિરુદ્ધ અનેક હુમલા કર્યા છે, જેમાં પ્રાંતીય રાજધાની જલાલાબાદમાં અનેક હત્યાઓ પણ સામેલ છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટ : 100 થી વધુ લોકોના મોતની આશંકા, IS એ હુમલાની જવાબદારી લીધી
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં જે બન્યું તેના નોંધપાત્ર પરિણામો આવશેઃ જયશંકર