ગાંધીનગરઃસૌરાષ્ટ્રના પાંચ સહિત 17 પ્રધાનો સાથે ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel Government 2.0) પોતાની સરકાર બનાવી લીધી છે. સોમવારે વિધિવત શપથવિધિ થયા બાદ નવા પ્રધાનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. એટલું જ નહીં અગાઉ જે પ્રધાનો પાસે જે તે પોર્ટફોર્લિયો હતા એમાં કેટલાક યથાવત રહ્યા છે. આ સાથે કેટલાકને એમાં વધારો કરી દેવાયો છે. હકીકત એવી છે કે, કુલ 17 પ્રધાનોની માથે 52 જુદા જુદા પોર્ટોફોલિયોની (Gujarat Minister portfolio) જવાબદારી છે. જોકે, આ વખતે સૌરાષ્ટ્રથી પ્રચારની શરૂઆત ભાજપે (New Ministers of Gujarat) કર્યા બાદ પ્રધાનપદમાં પણ સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યું છે. કુલ મળીને છ પ્રધાનોનો ક્વોટા સાચવી લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાંથી સુકાનીઓઃનવા પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી છ ધારાસભ્યોનો ક્વોટા સાચવી લેવામાં આવ્યો છે. જેમાં રાઘવજી પટેલ, મુળુ બેરા, પરોસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનું બાબરિયાનો સમાવેશ થાય છે. પણ સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદમાંથી કોઈ સુકાનીને જવાબદારી સોંપવામાં આવી નથી. ભાજપે સૌરાષ્ટ્રના સોમનાથમાંથી પ્રચાર ઝૂંબેશની શરૂઆત કરી હતી. પણ ગીર સોમનાથમાંથી કોઈને પણ પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
દિગ્ગજ ચહેરા કપાયાઃપ્રધાનમંડળમાંથી જેમને પડતા મૂકવામાં આવ્યા છે એમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરિટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, આર.સી.મકવાણા અને વિનું મોરડિયાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાંથી અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાંથી કોઈને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. અમદાવાદ અને સુરતમાંથી પણ પ્રતિનિધિત્વ ઘટી ગયું છે.
પહેલી વાર સ્થાનઃરાજકોટ ગ્રામ્યમાંથી પહેલી વખત કોઈ સુકાનીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, શંભુ પ્રસાદ ટુંડિયા, જયેશ રાદડિયા સહિત અનેક મોટા નામ જે ચર્ચામાં હતા એ રહી ગયા છે. રાજકોટ ગ્રામ્યમાંથી ત્રણ ચહેરાને સ્થાન અપાયું છે. જામનગરમાંથી રીવાબા જાડેજાને કોઈ ખાતું મળી રહેશે એવી આશા વ્યક્ત કરાઈ હતી. પણ નવા પ્રધાનમંડળના સભ્યોનું નામ સામે આવતા એક માત્ર મહિલા તરીકે ભાનુંબેન બાબરિયાની પસંદગી કરાઈ છે.
સરપ્રાઈઝ મોંઘી પડીઃ હકીકત એ પણ સ્વીકારવી પડે કે, રાજેન્દ્ર ત્રિવેદી ગમે તે સરકારી ખાતામાં સરપ્રાઈઝ વિઝિટ કરવા માટે પહોંચી જતા હતા. પછી એમની પાસેથી મહેસુલ ખાતું લઈ લેવાયું અને હર્ષ સંઘવીને ચાર્જ સોંપાયો હતો. જ્યારે જયેશ રાદડિયાનું નામ સહકારી ક્ષેત્રે યોદ્ધા સમાન લેવાઈ રહ્યું છે. એટલું જ નહીં એપીએમસીમાં પણ એમનો ડંકો વાગે છે. અગાઉની સરકારમાં તેઓ પણ પ્રધાનપદે રહી ચૂક્યા છે.