અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે(gujarat legislative assembly 2022) આજે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.
રિવાબાએ કર્યું મતદાન: જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબાએ રાજકોટની આઇ.પી. મિશન સ્કૂલમાં મતદાન કર્યું છે. રિવાબા રાજકોટના હોવાથી તેમનું મતદાન રાજકોટમાં આવે છે. આથી પોતાની બેઠક પર પોતાને જ નહીં પણ રાજકોટમાં મતદાન કરવું પડ્યું હતું.
પરેશ ધાનાણીએ અનોખી રીતે કર્યું મતદાન:અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગેસનો બાટલો સાઇકલ પાછળ બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે નવસારી શહેર મતદાન મથકે મતદાન કર્યું છે. સાથે જ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.
સી આર પાટીલે કર્યું મતદાન: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મતદાન કર્યું હતું. ભાજપની 150થી વધુ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા માટે વાપીની જ્ઞાનદા સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે, કનુ દેસાઈના મતદાન કર્યા પહેલાં EVMમાં ખામી સર્જાઈ હતી. EVMમાં ખામી સર્જાતા કનુ દેસાઈને 15 મિનિટ રાહ જોવી પડી હતી. મતદાન કર્યા બાદ કનુ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ વખતે ભાજપ બહુમતી સાથે જીત મેળવશે.
કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું: મોરબીમાં રવાપર રોડ પર નીલકંઠ વિધાલય ખાતે ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતું. કાંતિલાલ અમૃતિયાએ મોરબી પુલ દુર્ઘટના સમયે નદીમાં કૂદી લોકોનો જીવ બચાવ્યો હતો. ભાજપે મોરબી બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે. મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાન્તિલાલ અમૃતિયાએ જ્યાંથી મતદાન કર્યું તે બુથ પર મતદારોનો ઉત્સાહ જોઇને તેઓ ખુશ થયા હતા. લોકશાહી પર્વને દિપાવવા માટે મતદાર વહેલી સવારે ઠંડીમાં પણ લાઈન લગાવી ઉભા હોય જેથી તેમને મતદારોને બિરદાવ્યા હતા.
કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કર્યું મતદાન: કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેઓએ કહ્યું કે, જિલ્લાની તમામ પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.
જીતુ વાઘાણીએમતદાન કર્યું:ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું છે. તેઓ ઢોલ નગારા સાથે બુથ મથક પર વોટિંગ કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ ઐતિહાસિક લીડ સાથે ગુજરાતમાં વિજય મેળવશે.
હર્ષ સંઘવીએ મતદાન કર્યું: સુરતના મજુરા બેઠક પરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે હું જોઈ શકું છું કે ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે અહીં ફરી એકવાર ભાજપની સરકાર બનવાની છે. ગુજરાતના ખૂણે ખૂણે આજે ઐતિહાસિક મતદાન થઈ રહ્યું છે. અહીંના લોકો ગુજરાતના હિતમાં ચૂંટણી લડી રહ્યા છે.
મનસુખ માંડવિયાએ મતદાન કર્યું: ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ મતદાન કર્યું હતું. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મારા ગામના લોકો હંમેશા વિકાસની રાજનીતિમાં માનતા આવ્યા છે. હું જોઉં છું કે ગુજરાતની જનતાનો ભાજપમાં વિશ્વાસ વધ્યો છે. આ વખતે અમે અમારો રેકોર્ડ તોડીશું અને નવો રેકોર્ડ બનાવીશું.