સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Gujarat) ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી સોમનાથની મુલાકાતે (somanth legislative assembly) છે. વેરાવળ ખાતે તેઓ જનસભાને સંબોધન કરવાના છે. ત્યારબાદ તેઓ ધોરાજી, અમરેલી અને બોટાદની પણ મુલાકાત લેવાના છે. ત્યારે મહત્વનું છે વડાપ્રધાન મોદીનો આ સૌરાષ્ટ્ર પ્રવાસ ચૂંટણી(impact on Saurashtra) માટે કેટલો અસરકારક રહેશે..
2017માં મળી માત્ર એક જ બેઠક: વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીએ ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને સાંકળીને આયોજન કર્યું હતું. પરંતુ પીએમ મોદીની જનસભામાં હાજર રહેલી જનમેદની ભાજપના ઉમેદવારોને ચૂંટણી જંગમાં જીતાડવા માટે અપૂરતી સાબિત થઈ હતી. વિધાનસભાના પરિણામોમાં સોમનાથ સહિત જૂનાગઢ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠક પૈકી માત્ર 1 કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ત્યારે ફરી એક વખત નરેન્દ્ર મોદી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે રાજકીય વિશ્લેષકે અનુમાન લગાવ્યું કે 2022ની ચૂંટણીમાં પણ મોદીની સભા કોઈ અસર નહિ કરે.
ભાજપે તમામ ચાર બેઠક પર બદલ્યા ઉમેદવારો: વર્ષ 2017ની ચૂંટણીઓમાં પણ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની સંપૂર્ણ જવાબદારી વડાપ્રધાન મોદીએ લીધી હતી. અહીં ભાજપના ઉમેદવારને વિજય અપાવવા માટે મતદારો સમક્ષ અપીલ કરી હતી. જો કે વર્ષ 2017ના રાજકીય સમીકરણો અને વર્ષ 2022ના રાજકીય પ્રવાહો એકદમ અલગ જોવા મળે છે. 2017 માં ભાજપે સોમનાથ બેઠક પરથી દિગ્ગજ કારડીયા રાજપુત આગેવાન જસા બારડ, તાલાલા બેઠક પરથી સહકારી આગેવાન ગોવિંદ પરમાર, ઉના બેઠક પરથી યુવા અને પ્રતિભાવાન ઉમેદવાર હરી સોલંકી અને કોડીનાર બેઠક પરથી પ્રોફેસર ડો. રામ વાઢેરને ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ પણ ભાજપના ચારેય ઉમેદવારો ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હતા. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ ઉમેદવારો નવા ઉભા રાખ્યા છે. સોમનાથ બેઠક પરથી યુવાન આગેવાન માનસિંહ પરમાર, તાલાળા બેઠક પરથી કોંગ્રેસમાંથી 24 કલાક પૂર્વે ભાજપમાં આવેલા ભગા બારડ, કોડીનાર બેઠક પરથી અમદાવાદના પ્રોફેસર ડો પ્રદ્યુમન વાજા અને ઉના બેઠક પરથી કોળી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી સમયે રાજકીય સમીકરણો અને પ્રવાહ અલગ હતા. ભાજપે આ વર્ષે કોંગ્રેસને ટક્કર આપવા માટે કોંગ્રેસમાંથી આયાતિ ઉમેદવારોની સાથે સ્થાનિક અસંતોષને ખાળવા માટે નવા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પરંતુ ભાજપનો આ દાવ કેટલો અસરકારક રહેશે તે 8મી ડિસેમ્બરના દિવસે જ જાણવા મળશે.
લોકોનો ઉત્સાહ ઘટ્યો: વડાપ્રધાન મોદીની સોમનાથ મુલાકાતને લઈને રાજકીય સમીકરણો અને પ્રવાહો વચ્ચે વર્ષ 2017 અને 2022 વચ્ચે મોટું અંતર જોવા મળે છે વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચાર સભામાં લોકોનો ઉમળકો ઘટતો જોવા મળતો હતો. જેને પરિણામે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારના સથવારે જંગ જીતવાની રણનીતિ બનાવી હતી પરંતુ તેની આ રણનીતિ ઉંધી પડી અને ભાજપ ધારાસભ્યોની સંખ્યા બે આંકડામાં જોવા મળી. ત્યારે ફરી એક વખત વર્ષ 2022માં ભાજપ રાષ્ટ્રીય નેતાઓના સથવારે વિધાનસભાનો જંગ જીતવા નીકળી છે પરંતુ તેમનો પ્રયાસ આ વર્ષે પણ સફળ થાય તેવું લાગતું નથી. 14 બેઠકો પૈકી ભાજપ તેની એક બેઠક જાળવી રાખવામાં સફળ થશે તો પણ રાષ્ટ્રીય નેતાઓનો ચૂંટણી પ્રચાર લેખે લાગશે.
મતદારો થયા વિમુખ: પાછલા એક મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ચૂંટણીલક્ષી જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે મહિના પૂર્વે જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની સભાનું આયોજન થયું હતું. જેમાં લોકોનો ઉત્સાહ ખૂબ જ ઓછો જોવા મળતો હતો. રાજકોટ ખાતે યોજાયેલી સભામાં પણ લોકો ચાલુ સભાએ ચાલતી પકડતા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. લોકો હવે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં હવે રાષ્ટ્રીય નેતૃત્વના સહારે ચૂંટણી પ્રચાર અને ચૂંટણીમાં જીત માટે રાજકીય પક્ષોથી મોઢું ફેરવી રહ્યા છે. રાજ્યની સ્થાનિક ચૂંટણીને લઈને રાજ્યના નેતાઓ જનમેદનીને આકર્ષિત નથી કરી શકતા. જેને કારણે રાષ્ટ્રીય નેતૃત્વ અને ખાસ કરીને વડાપ્રધાન મોદીને ચૂંટણી જંગમાં ઉતારવાની ફરજ પડે છે. પરંતુ ધીમે ધીમે હવે મતદારો પણ નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાથી પોતાની જાતને દૂર કરી રહ્યા છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વના સહારે ભાજપ કેટલું સફળ બનશે તે જોવું રસપ્રદ બનશે.