જસદણઃ જસદણ વિધાનસભા-72 બેઠકની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સૌ પ્રથમવાર ભાજપનું કમળ ખીલ્યું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને 16172 મતની લીડથી જીત પ્રાપ્ત થઈ છે. જસદણ (Koli Cast Saurashtra) બેઠકની વાત કરીએ તો વર્ષ 2009 ની પેટા ચૂંટણીમાં ભાજપના ડો.ભરતભાઈ બોઘરા અને વર્ષ 2018 ની પેટા ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા. જસદણ બેઠકના ભાજપના નેતા કુંવરજીભાઈ બાવળીયાની (Jasdan Kunvarji Bavaliya) ઐતિહાસિક મતની લીડથી જીત થતા જસદણ-વિંછીયા પંથકમાંથી સફળતા મળી છે. જસદણ બેઠકમાં અનેક વિવાદો વચ્ચે પણ ભાજપના કુંવરજીભાઈએ વધુ એક વાર ધારાસભ્ય તરીકે બાજી મારતા વિજય સરઘસમાં જોડાયેલા કાર્યકરોએ “જય ભોળાનાથ” ના નારા લગાવતા ભારે કુતુહલ સર્જાયું હતું.
શા માટેઃજસદણ બેઠકને સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠક માનવામાં આવે છે. ખાસ કરીને કોળી સમાજને સાચવવા માટે એક મજબુત વ્યક્તિત્વ તરીકે બાવળીયાને માનવામાં આવે છે. આ પહેલા પણ અનેક વિવાદ વચ્ચે રહ્યા હોવા છતાં તેમણે આ ચૂંટણીમાં પોતાનું કદ જાળવી રાખ્યું છે. કુંવરજી બાવળીયાની આ સતત સાતમી જીત છે. જસદણની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું કમળ અત્યાર સુધી ક્યારેય ખિલ્યું ન હતું. જ્યારે હરીફ રહેલા કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલે હાર સ્વીકારી હતી. જ્યારે આ વખતે ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના તેજસ ગાજીપરાએ પણ હાર સ્વીકારી છે.