સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 2017માં જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો મેળવનાર કૉંગ્રેસ 2022માં એકપણ બેઠક જીતી શકી નથી. તમામ બેઠક ભાજપે કબજે કરી છે. દસાડા વિધાનસભા બેઠકની (Dasada Assembly Seat) વાત કરીએ તો દસાડા બેઠકમાં છેક સુધી ફાઇટ ચાલુ રહી હતી. મત ગણતરી થઇ ત્યારે ભાજપના પી.કે.પરમાર 2 રાઉન્ડ સુધી આગળ હતા ત્યારબાદ 3 અને 4 રાઉન્ડમાં કોંગ્રેસના નૌશાદભાઇ સોલંકી આગળ રહ્યા હતા. દસાડા બેઠક પર છેલ્લે ભાજપનો વિજય થયો હતો, પરંતુ છેક સુધી જામેલી રસાકસીને કારણે લોકો એક જ સવાલ કરતા હતા કે શું થશે અને કોણ જીતશે માત્ર 2 હજાર મતોની સરસાઈ સાથે દસાડા વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર થઈ હતી. (Gujarat Assembly Election 2022)
દસાડા વિધાનસભામાં ભાજપનું જીતનું કારણ :દસાડા વિધાનસભા (Dasada Assembly) સીટ પર ભાજપના પી.કે.પરમારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 2,136 મતોની પાતળી સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ દસાડા વિધાનસભામાં આપ અને નોટા ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના પી.કે.પરમારને 75,743 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 73,607 મતો મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ સોલંકીને 10,060 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 3,126 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 3,590 મતો મળ્યાં છે.