જુનાગઢ:કહેવત છે ને કે કળિયુગે સંઘ શક્તિ, આ કહેવતને હરમડિયા અને બાબરીયા વિસ્તારના ખેડૂતોએ સાબિત કરી છે, છેલ્લાં બે દાયકાથી હરમડિયા અને બાબરીયા ગામને જોડતા આઠ કિલોમીટરના ગાડા કેડામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત માર્ગ બનાવવાને લઈને રજૂઆત કરી હતી, સરકારી તંત્ર આ માર્ગ પંચાયત અને માર્ગ મકાનની હદમાં આવતો ન હોવાને કારણે માર્ગ બનાવવા અસમર્થ હતા, તેની વચ્ચે આ બંને ગામના ખેડૂતોએ હવે લોકફાળો ઉઘરાવીને ગાડા કેડીને મજબૂત બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે
કળિયુગે સંઘ શક્તિ આ કહેવત પડી સાચી
તમામ ભવિષ્ય વાણીઓમાં કળિયુગમાં સંઘ શક્તિને સૌથી સમર્થ અને શક્તિશાળી માનવામાં આવી છે, આ જ પ્રકારની સંઘ શક્તિનું ઉદાહરણ હરમડિયા અને બાબરીયા ગામના ખેડૂતોએ પૂરું પાડ્યું છે. સોમનાથના ગીર ગઢડા તાલુકાના આ બંને ગામોને જોડતા આઠ કિલોમીટરના માર્ગને લઈને છેલ્લાં બે દાયકાઓથી બંને ગામના 200 કરતાં વધારે ખેડૂતો સતત સંઘર્ષ કરી રહ્યા હતા. ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને અનેક વાર રજૂઆતો થઈ. આ બે દશકામાં ધારાસભ્ય અને સંસદ સભ્યો પણ બદલાઈ ચૂક્યા છે પણ ન બદલાયો તો બાબરીયા અને હરમડિયા ગામના ગાડા કેડાનો ઉબડખાબડ નકશો. અંતે ખેડૂતો સંગઠિત થયા લોકફાળો એકત્ર કર્યો અને શરૂ થઈ છેલ્લાં બે દશકાની મુશ્કેલીના નિવારણ માટેની પાકી સડકનો રસ્તો.
ગીર સોમનાથ જિલ્લાના બે ગામના ખેડૂતોએ ફંડ ફાળો કરીને ગાડા કેડી પર પાકો રસ્તો બનાવવાની શરૂઆત કરી (Etv Bharat Gujarat) ખેડૂતોએ સ્વયંમ લોક ફાળો કર્યો
હરમડિયા અને બાબરીયા ગામ વચ્ચે આઠ કિલોમીટરના અંતરમાં 200 કરતાં વધારે ખેડૂત ખાતેદારો દરરોજ આ માર્ગનો ઉપયોગ ઘર થી ખેતર અને ખેતર થી ઘરે જવા માટે કરી રહ્યા છે. આ માર્ગ પર સૌથી મોટી સમસ્યા ચોમાસા દરમિયાન આવે છે, અતિ ભારે વરસાદને કારણે આ માર્ગ પરથી ચાલીને જવું પણ દુષ્કર બની જાય છે. વધુમાં હરમડિયા અને બાબરીયા ગામ ગીર ફોરેસ્ટની વચ્ચેથી પણ પસાર થાય છે, જેને કારણે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સતત હાજરી પણ જોવા મળે છે, જેને કારણે પણ આ માર્ગ પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે. છેલ્લાં બે દાયકાથી ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ કે હલ સરકારી તંત્ર પાસે આજે પણ નથી, તો ચૂંટાયેલા લોક પ્રતિનિધિ છેલ્લાં બે દાયકાથી માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે. સરકારી તંત્રની ઉદાસીનતા અને લોક પ્રતિનિધિના ઠાલા વચનોની વચ્ચેથી સ્વયંમ ખેડૂતો અને ગામ લોકોએ માર્ગ કાઢીને આજે ગાડા કેડા પર કોન્ક્રીટનો માર્ગ બનાવવાની શરૂઆત કરી છે.
ગીરસોમનાથના ખેડૂતોની જાત મહેનત જિંદાબાદ (Etv Bharat Gujarat) આર્થિક સહયોગ અને શ્રમદાનથી બનશે માર્ગ
હરમડિયા અને બાબરીયા ગામના 200 કરતાં વધારે ખેડૂતોએ હવે આઠ કિલોમીટરનો આ ગાડા કેડો કોંક્રીટનો પાકો રસ્તો બને તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામ શરૂ કર્યું છે, જેમાં કોઈ પણ ખેડૂત કે ગામ લોકો એક રૂપિયાથી લઈને તેમની શક્તિ મુજબનું અનુદાન માર્ગ બનાવવા પાછળ આપી શકે છે. જે કોઈ વ્યક્તિ આર્થિક સહયોગ ના આપી શકે તેમ હોય તેવી તમામ વ્યક્તિ પોતાના શ્રમદાન થકી પણ આ બે દસકા જૂની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે ખભે થી ખભો મિલાવીને વહેલી સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી સતત કામ કરી રહ્યા છે.
ખેડૂતોએ ફંડ ફાળો કરીને બે ગામને જોડતી ગાડા કેડીમાં પાકો રસ્તો બનાવ્યો (Etv Bharat Gujarat) જન પ્રતિનિધિએ આપ્યો પ્રતિભાવ
આ વિસ્તારના જન પ્રતિનિધિ અને હાલ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પુંજાભાઈ વંશે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સમગ્ર મામલો છેલ્લાં પાંચેક વર્ષથી તેમના ધ્યાન પર ગામ લોકો અને સમાજના અગ્રણીઓ મૂક્યો છે, પરંતુ સરકાર ખેતીની જમીનનો ઓનલાઇન સર્વે અને રિસર્વે બાદ પણ અનેક વિસંગતતાઓ ખેતીની જમીનમાં આજે પણ જોવા મળી છે. જેના કારણે ખેડૂતોએ તેમની વાંધા અરજી પણ કરી છે, આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર થઈ શકે તે પ્રકારના કોઈપણ રોડનું બાંધકામ કરવામાં તેમના કાર્યકાળ દરમિયાન મુશ્કેલીઓ હતી એટલે આ માર્ગનું કામ થયું નથી તો ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ પણ હજુ સુધી ફોન ઉઠાવવા સુધીની તસ્દી લીધી નથી.
અંતે ગામ લોકોએ કર્યો સામૂહિક નિર્ણય
200 ખેડૂતોને સાંકળતો આ ગાડા કેડો સરકાર કે સરકારના જન પ્રતિનિધિ નહીં બનાવી શકે તેવી લાગણી ખેડૂતોને થતા ગામ લોકો અને ખેડૂતોએ સંયુક્ત પણે આ માર્ગ પોતાના ખર્ચો બનાવવાનું નક્કી કર્યું અને તેમાં અસરગ્રસ્ત 200 ખેડૂતોની એક બેઠક પણ સમયાંતરે યોજવામાં આવી હતી, અને જેમ જેમ ખેડૂતો તરફથી અનુદાન પ્રાપ્ત થતું જાય તેમ-તેમ શ્રમદાન અને અનુદાનમાંથી આઠ કિલોમીટરનો કોન્ક્રીટનો માર્ગ બનાવવાનું 200 ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ સ્વયંભુ નક્કી કરતા આ માર્ગનું કામ હાલ શરૂ થયું છે. આઠ કિલોમીટરના માર્ગ બનાવવા પાછળનો ખર્ચ જેમ-જેમ ખેડૂતોને મળતો જશે તેમ તેમ આ કામ પૂર્ણતા તરફ આગળ વધશે. આ કામનું ભવિષ્ય માર્ગ પાછળ થનાર ખર્ચ અને તેમાં આવનાર દાન પર નિર્ભર છે એટલે તે પૂર્ણ થતા કદાચ એકાદ વર્ષનો સમય પણ લાગી શકે છે.
- જૂનાગઢની મુલાકાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ અંગે આપ્યું નિવેદન
- જુનાગઢવાસીઓ ભૂલી જજો કોર્પોરેશનની તમારી ફરિયાદ WhatsAppથી સંભળાશેઃ આ 3 માધ્યમોનો ઉપયોગ કરો