સુરત:રાજ્યમાં આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરૂવારથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં SSC ના 9 લાખથી વધુ, HSC ના 4 લાખથી વધુ અને HSC સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે.
રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે નહીં, પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે, તો તમને હતાશ થવાની જરૂર નથી. ઓછા માર્ક્સ જીવનનો અંત નથી. મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી સખત મહેનત કરીને સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા-પિતાનું ગૌરવ વધારતા હોય છે. તેથી, માતા-પિતાએ પણ ઘરમાં સકારાત્મક માહોલ રાખવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિડર બની પરીક્ષા આપી શકે.
રાજ્ય સરકારે પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરી છે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે. મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થા માટે કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવશે.