જૂનાગઢ :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં જૂનાગઢના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા અનુસાર આ ચોમાસાની સિઝન દરમિયાન સૌથી વધુ કહી શકાય તેવો 60 થી 80 ઇંચ જેટલો વરસાદ નોંધાવવાની પણ આગાહી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો ! (ETV Bharat Reporter) દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો :પાછલા 48 કલાકથી મેઘરાજાએ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘકૃપા કરીને ગુજરાતના આ બંને પ્રાંતને વરસાદી પાણીથી તરબતર કરી દીધા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર જિલ્લામાં નોંધાયો છે. આગામી દિવસોમાં જે પ્રકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, બિલકુલ તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.
વરસાદની આગાહી:19 જુલાઈથી વરસાદના નક્ષત્રમાં ફેરફાર થયો છે. આગામી 24 જુલાઈ સુધી પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રનું વાહન દેડકો હોવાને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય પ્રાંતોમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જામનગર, પોરબંદર, સોમનાથ, રાજકોટ અને દ્વારકા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.
રાજકોટ માટે મોટી આગાહી :રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ આ વર્ષે છલકાશે તેવું પૂર્વાનુમાન રમણીકભાઈએ વ્યક્ત કર્યું છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન વિછુડો 26 દિવસનો હોવાથી ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. વધુમાં હાથીયા નક્ષત્રમાં પણ અતિભારે વરસાદ પડવાની સાથે ભારે પવન સાથે ચોમાસુ આગળ વધતું જોવા મળશે. આ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં 60 થી 80 ટકા સુધીનો વરસાદ પડવાની શક્યતા છે.
ખેડૂતો માટે ચોમાસું કેવું રહેશે ?
આ વર્ષનું ચોમાસુ ખેડૂતો માટે ખૂબ સારું જવાની શક્યતા પણ રમણીકભાઈએ વ્યક્ત કરી છે. સાથે સાથે બજારમાં ભયંકર મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે. આ વર્ષના ચોમાસામાં ગાજવીજ સાથે વીજળી પડવાના બનાવવામાં પણ નોંધપાત્ર વધારો થશે. સફેદ જગ્યા પર વરસાદી વીજળી વધુ પડશે તેવું એક પુર્વાનુમાન છે. વધુમાં ચોમાસા દરમિયાન મળતા સંકેત અનુસાર લાલ કલરની ચીજોના બજાર ભાવમાં વધારો થશે. જેમાં કૃષિ જાણશોમાં ચણા, મગફળી, ટામેટા અને ઘઉં જેવા કૃષિ પેદાશોના બજાર ભાવમાં અચાનક અને સૌથી મોટો ઉછાળો આવવાની શક્યતા છે. હજુ પણ 24 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.
- 'રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વણસી', અત્યાર સુધીમાં 42 લોકો અને 250 પશુના મૃત્યુ
- ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 31 ટકાથી વધુ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો