ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crime : જામનગરમાં લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર બુલડોઝર ફરી વળ્યું

જામનગરમાં બેડીમાં સરકારી જમીન પચાવી પાડનાર લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર બૂલડોઝર ફેરવાયું છે. 5500 ફૂટ જમીન ખુલ્લી કરાવવા જામનગર જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો કામે લાગ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગેરકાયદે બાંધકામોને લઇ સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

Jamnagar Crime : જામનગરમાં લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર બુલડોઝર ફરી વળ્યું
Jamnagar Crime : જામનગરમાં લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર બુલડોઝર ફરી વળ્યું

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 3:20 PM IST

લેન્ડ ગ્રેબિંગનો ગુનો

જામનગર : જામનગરમાં બેડીમાં સરકારી ખરાબા પર ખડકી દેવામાં આવેલા લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર આજ સવારથી જંગી પોલીસ કાફલા સાથે બૂલડોઝર ફેરવવાનું શરુ કરવામાં આવ્યું છે. કુલ 5500 ફૂટ જગ્યા પર ખડકી દેવામાં આવેલા બન્ને બંગલા તોડી પાડવામાં આવશે. જિલ્લા પોલીસ વડા, વહીવટી તંત્ર, જામ્યુકો તંત્રના અધિકારીઓનો કાફલો પણ સવારથી જ બેડી પહોંચી ગયો હતો, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોટો પોલીસ કાફલો ઊતારવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે ભાઈઓનr મિલકતનું ડીમોલેશન : આજ સવારથી બેડી વિસ્તારમાં આવેલ રઝાક સાયચા અને સિકંદર સાયચાના ગેરકાયદે બંગલા ઉપર બે હિટાચી અને બે જેસીબી વડે તોડપાડ શરુ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કામ થઈ રહ્યું છે. જેમાં સિટી મામલતદાર ઉપરાંત કોર્પોરેશનના એસ્ટેટના સુનિલ ભાનુશાળી, પાંચ પીઆઈ તેમજ પોલીસનો મોટો કાફલો આ બાંધકામ તોડવાની કાર્યવાહીમાં જોડાયો છે.

એસપી અને જિલ્લા વહીવટી ટીમ રહી ખડેપગે :જાણવા મળતી માહિતી પ્રમાણે 3000 ફૂટનો એક આલિશાન બંગલો તેમજ સરકારી ખરાબામાં બનેલો બીજો 2500 ફૂટનો આલિશાન બંગલો પણ તોડી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ અગાઉ પણ એક બંગલો તોડી પડાયો હતો. આજ સવારથી તોડવાની કાર્યવાહી શરુ કરાઈ ત્યારે પોલીસનો જંગી કાફલો ગોઠવાયો હતો. લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં.

જામનગર જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો કામે લાગ્યો

મસમોટો પોલીસ કાફલો ખડકાયો :કોઈપણ જાતના અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, એસપી પ્રેમસુખ ડેલુ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાનુસાર કલેકટર કચેરી હસ્તકની ખરાબાની જમીન દૂર કરવા માટે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ પહેલામ પણ એક બંગલા પર બુલ ડોઝર ફરી વળ્યુ હતું. આ અગાઉ પણ આલિશાન બંગલો તોડાયો ત્યારે પણ પોલીસનો મોટા કાફલો ખડકી દેવાયો હતો. જો કે, આજે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ પાડતોડ શરુ કરી દેવાઈ છે જે સાંજ સુધીમાં પૂરી થઈ જશે અને આશરે 5500 ફૂટથી વધુ ગેરકાયદે બાંધકામ જેસીબી વડે દૂર કરી દેવામાં આવશે.

ગેરકાયદે બાંધકામોનો રાફડો : વર્ષો પહેલાં સલાયામાં તત્કાલીન પોલીસ વડા સતીષ વર્મા દ્વારા મૅગા ઑપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને ગુનેગારો દ્વારા બાંધવામાં આવેલા સંખ્યાબંધ ગેરકાયદે બંગલાઓ ઉપર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે જામનગર જિલ્લામાં ગેરકાયદે બાંધકામો તોડવા માટેનું સૌ પ્રથમ મોટું ઑપરેશન થયું હતું. તાજેતરમાં દ્વારકાના બેટ ખાતે પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન નીચે વહીવટી તંત્રની સાથે મળીને સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને ત્યારે પણ એવો સંકેત અપાયો હતો કે, દ્વારકા તથા જામનગર જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હશે તેને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ તોડી પાડવામાં આવશે.

ગૃહપ્રધાને પણ કુખ્યાત સાઇચા બંધુ પર આપ્યું હતું નિવેદન : થોડાં દિવસ પછી જ બેડીમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મિલ્કતોની તપાસ શરુ થઈ હતી. સાયચા બંધુઓ દ્વારા સરકારી ખરાબા પર મકાન નહીં પરંતુ બે બંગલા ખડકી દેવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્યા બાદ પોલીસ સહિતનું આખું તંત્ર હરકતમાં આવ્યું હતું. જે તે સમયે કાર્યવાહી કરાયા બાદ ગઈ સાંજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાયચા બંધુઓના બંગલા પર પહોંચ્યો હતો અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજ સવારથી બે બૂલડોઝર અને જંગી પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે કદાચ લાખોની કિંમતના બંગલાઓ તોડી પાડવાનું શરુ થતાં જામનગર શહેર જિલ્લામાં સરકારી અને પારકી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.

લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ : જામનગરના બેડીના ઢાળીયાથી પાણાખાણ વિસ્તારમાં રજાક સાઇચા દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે બંગલો ઉભો કરી દેતા લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થતા ગઇકાલે પોલીસ દ્વારા પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન આજે તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી-બી ડીવીઝનના પીઆઇ ઝાલા, સિટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા, બંને ડીવીઝનના પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સાઇચાનો ગુનાહિત ઇતિહાસ : તાજેતરમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરમાં સ્પષ્ટ શબ્દોમાં અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં અને કુખ્યાત ગેંગનો ઉલ્લેખ કર્યો હતો. દરમ્યાન જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ શહેરમાં જુગારના અડ્ડાઓથી લઇને સામાન્ય લોકોને રંજાડી મારામારી, ખૂનની કોશિશ સહિતના ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત રજાક સાઇચાના સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદે બંગલા પર અગાઉ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતું, ત્યાર બાદ વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ થતા અતિ કિંમતી બે બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કુખ્યાત ગુનેગાર રજાક સાઇચા વિરુદ્ધ જામનગરમાં ખૂનની કોશિષ, રાયોટીંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, આપઘાત માટે દુષ્પ્રેરણા, જુગાર, પ્રોહીબીશન જેવા અંદાજે 50 કરતા વધારે ગુનાઓ દાખલ થયેલા છે, આમ આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ કરતા ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા ગુંડા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાગરિકોમાં હર્ષ સાથે પોલીસ કામગીરીથી સંતોષની લાગણી પ્રસરી છે.

  1. Demolition : સોમનાથમાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું, કાચા પાકા 153 બાંધકામો હટાવાયાં
  2. Surat Crime : 38 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાના નામની જમીન બોગસ વિલ બનાવીને વેચી, વર્ષો બાદ પૂર્વ સરપંચની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details