દાહોદઃ બોરડી નજીક બની રહેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ જસવંત ભાભોરે 14મી માર્ચના રોજ કરી દીધું હતું. જો કે આ વિકાસકાર્ય અધૂરુ હોવાને લીધે તે પ્રજાના વપરાશ માટે પ્રતિબંધિત છે. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. દાહોદ કૉંગ્રેસે પણ ભાજપના આ ઉતાવળીયા લોકાર્પણ અંગે વાકપ્રહાર કર્યા છે.
14મી માર્ચે લોકાર્પણઃ દાહોદ જિલ્લાના બોરડી ગામે 58 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનુ સાંસદ જસવંત ભાભોર અને રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત પ્રધાન બચુ ખાબડ દ્વારા લોકાર્પણ કરવામા આવ્યું હતું. લોકાર્પણ સમયે જસવંત ભાભોરે જણાવ્યું હતું કે,દાહોદથી મઘ્ય પ્રદેશ આવન જાવન માટે બોરડી રોડ પર રેલવે ફાટક છે. આ ફાટકને લીધે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. વર્ષોથી સ્થાનિકોની માંગ હતી કે આ રોડ પર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે. ગુજરાત અને ભારત સરકારના સહકારથી 58 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કૉંગ્રેસના વાકપ્રહારઃ દાહોદ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસ પ્રભાબેન તાવિયાડને ઉમેદવાર બનાવ્યા છે. પ્રભાબેને આ રેલવે ઓવરબ્રિજની મુલાકાત લીધી અને ભાજપની નીતિ અને જસવંત ભાભોરની મતિ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, અમે એલસી 48 પર આવ્યા છીએ. અહીં 14મી માર્ચે મંત્રી અને સંસદે ભેગા થઈને રેલવે ઓવરબ્રિજનું ઉદ્દઘાટન કરી દીધું છે. તેની તકતી પણ લગાવાઈ છે. જો કે હજૂ પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. અહીંયા બ્રિજની જરૂરિયાત વર્ષોથી હતી. સાંસદને 10 વર્ષ થઈ ગયા છે છતાં હજુ બ્રિજની કામગીરી પૂર્ણ થયેલ નથી. સાંસદે અધૂરા બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે. સાંસદને કદાચ એવું લાગ્યું હશે કે આ વખતે હું ચૂંટણી હું જીતવાનો નથી એટલે એમને હું હારી જાઉં તો મારી તકતી અહીં લગાડવાની રહી જાય એટલા માટે તાબડતોડ ઉદઘાટન કરી દીધું છે. અમે અપીલ કરીએ છીએ કે આ કાર્યવાહી જલ્દી કરવામાં આવે કામકાજ પૂરું કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલી ઓછી થાય અને લોકોને ફાટક પર રોકાવું ન પડે.