રાજકોટ:જિલ્લામાંથી કોલેરાના વધુ કેસ મળી આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. તે દરમિયાન શહેરના ગોંડલ રોડ પર આવેલા રામનગર-1 માં બાંધકામની સાઇટ પર કામ કરતો શ્રમિક કોલેરાની બીમારીથી સંક્રમિત થયો હોવાનું પ્રકાશમાં આવ્યો છે. શહેરના લોહાનગર-2 , વાવડી, લક્ષ્મીવાડી, કોટક શેરી સહિત 5 કોરોનાના કેસ આવ્યા બાદ રામનગરમાંથી વધુ 1 કેસ પ્રકાશમાં આવતા શહેરમાં છઠ્ઠો કેસ નોંધાયો છે.
તકેેદારીના ભાગરુપે પ્રતિબંધાત્મક હુકમ: તંત્રની તકેદારીઓ ભાગરૂપે કલેક્ટર પ્રભવ જોષીએ તારીખ 2 નવેમ્બર સુધીના સમયગાળા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. એટલું જ નહિ રામનગર વિસ્તારની ફરતે 2 કિ.મીની ત્રિજ્યામાં લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તેમજ વધુ કેસ પ્રકાશમાં ન આવે તે માટે ખાણીપીણીની દુકાનો, નાસ્તાના લારી-ગલ્લાઓ, શેરડી રસના ચિચોડા તેમજ બરફ અને તેમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ કરવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે મનપાના આરોગ્ય અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.