હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયા મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે બુધવાર, 11 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થના WACA ખાતે રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા ટીમે આ સિરીઝમાં પહેલેથી જ 2-0 ની લીડ મેળવી લીધી છે.
શ્રેણીમાં યજમાન ટીમની વિજયી લીડઃ
પ્રથમ ODI મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હરાવ્યું હતું. બીજી વનડેમાં યજમાન ટીમે મુલાકાતી ટીમને 122 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા ત્રીજી મેચ જીતીને ભારતને આ શ્રેણીમાંથી ખતમ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ ત્રીજી મેચમાં વાપસી કરીને ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની અપેક્ષા છે.
બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડઃ
ઓસ્ટ્રેલિયા અને ભારત ODI મેચોમાં 55 વખત સામસામે આવી ચુક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ 55 માંથી 45 ODI મેચ જીતી છે, જ્યારે ભારત માત્ર 10 મેચ જીત્યું છે. આ દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ મજબૂત છે. રસપ્રદ વાત એ , ભારતીય મહિલા ટીમ છેલ્લે 26 સપ્ટેમ્બર 2021ના રોજ જીતી હતી. તેથી હવે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમ જીત માટે પ્રયાસ કરશે.
પિચ રિપોર્ટ:
પર્થના WACA મેદાનની સપાટી ઝડપી બોલરોને વધારાની ગતિ અને ઉછાળો આપશે. તેથી, ઝડપી બોલરો નવા બોલ સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ ઝડપી બોલરો લેન્થ પાછી ખેંચી શકે છે અને હાર્ડ લેન્થ બોલિંગ અને બાઉન્સર વડે બેટ્સમેનોની કસોટી કરી શકે છે. આવી સ્થિતિમાં, બેટ્સમેનોએ પહેલા સાવચેતીપૂર્વક રમવું પડશે. સ્પિનરોને પણ અહીં થોડી મદદ મળી શકે છે. ટોસ જીતનાર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. જોકે, આ વિકેટ પર પ્રથમ બેટિંગ કરીને સન્માનજનક સ્કોર બનાવીને પણ વિજય મેળવી શકાય છે.