નવી દિલ્હીઃ વક્ફ બોર્ડને લઈને દેશભરમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે વધુ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. વક્ફ બોર્ડે રાષ્ટ્રીય રાજધાનીના છ મંદિરો પર પોતાનો દાવો કર્યો છે. દિલ્હી લઘુમતી પંચે તેના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અહીં વક્ફ બોર્ડની જમીન પર 6 મંદિરો બનાવવામાં આવ્યા છે. જો કે, આ મંદિરોના વહીવટીતંત્રે આ દાવાઓને નકારી કાઢ્યા છે.
વક્ફ બોર્ડે જે રિપોર્ટમાં દિલ્હીના 6 મંદિરો પર આ ખુલાસો કર્યો છે તે વર્ષ 2019માં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના ઘણા મંદિરો વક્ફ બોર્ડની જમીન પર બનેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ મંદિરો વક્ફ બોર્ડની રચના પહેલા અસ્તિત્વમાં હતા.
બિહારના ગામ પર પણ દાવો કર્યો
આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે, જ્યારે વક્ફ બોર્ડે હિંદુ જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો હોય. આ અગાઉ, બિહારમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વક્ફ બોર્ડે 90 ટકા હિંદુ વસ્તીવાળા આખા ગામ પર પોતાનો દાવો કર્યો હતો અને પટનાથી 30 કિલોમીટર દૂર આવેલા ગોવિંદપુર ગામને પોતાનું હોવાનો દાવો કર્યો હતો. અહીંની કુલ વસ્તી 5 હજાર છે અને તેમાંથી 95 ટકા હિંદુ સમુદાયની છે.